વેન્ટિલેટર પર જીંદગી સંતાકુકડી રમી રહી હતી,

ને શ્વાસ તો પેલા લીલા પાલવમાં સંતાયેલો હતો.

શ્વાછોશ્વાસની રમતમાં રોજ જીતતા’તા “સાગર”

ને હારવાનું આવ્યું ત્યાં જીંદગી દગો કરી રહી હતી.

ખરતાં પાંદડા કેમ ધ્રુસકે ધ્રુસકે રડતાં જાય છે,

જીંદગીમાં એક ઉંમર પછી બધા દુર થતા જાય છે,

ખેલ નિરાળો છે આ કુદરતનો જેને મેં જોયો છે,

જરુર ન હોય તો ઝાડને પણ પાન નડતા જાય છે.

Happy Valentines Day

લખું છું શબ્દો ને એ જાણે કવિતા બની જાય છે,

શોધતા તને જીંદગી મારી પડછાયો બની જાય છે.

આવે સ્વપ્નમાં તું તો રાત રળિયામણી બની જાય છે,

ને ઉજાગરા થાય પહોરના તો દિ’ રઢિયાળો બની જાય છે.

રોજ ન નીરખું તો આંખોનું ઓજસ અંધારું બની જાય છે,

તને જોયા પછી જાણે મારી દુનિયા ઉજાસ બની જાય છે.

સફરમાં તું હોવ તો રાહ આસાન બની જાય છે,

હાથમાં હાથ હોય તો રસ્તો મંજીલ બની જાય છે.

ઇબાદત કરો એની કાયમ તો એ ખુદા બની જાય છે,

જે નથી મળતાં દુનિયામાં તે હંમેશા યાદો બની જાય છે.

વરસે મેઘ અનરાધાર તો એ મુશળધાર બની જાય છે,

જે ટીપાં તરસ્યાં રહે એ અકસર “સાગર” બની જાય છે.

ઊતરાયણ

આકાશ ને ધાબાઓ હવે વિશાળ થઈ ગયા છે,

ઊતરાયણ તો છે પણ પતંગ ખાલી થઈ ગયા છે.

ફિરકી, કિન્ના ને ગુંદરટેપ તો ઠેર ઠેર થઈ ગયા છે,

પણ હવે સાથે ધાબે ચઢે એ મિત્રો ખાલી થઈ ગયા છે.

ખાલી આભમાં યુદ્ધ થાય એવા પ્રસંગ રોજ થઈ ગયા છે.

પતંગની સાથે હવે સંબંધોમાં પણ ગળાકાપ થઈ ગયા છે.

ચીકકી, તળસાંકળી ને ઊંધીયું તો જુના થઈ ગયા છે,

ઓનલાઈન ઓડઁરના વેઈટીંગ ઠેર ઠેર થઈ ગયા છે.

કાયપો છે ને લપેટ લપેટના બુમ-બરાડા ઓછા થઈ ગયા છે,

ધાબે તો ફક્ત મોબાઈલમાં ફોટા ને વીડીયો બનાવવાના ક્રમ થઈ ગયા છે.

પહેલા જેવી મજા નથી આવતી એ શબ્દો તથ્ય થઈ ગયા છે.

સાચે જ તહેવાર ને વહેવાર બધેથી નામશેષ થઈ ગયા છે.

तूने लुफ़त-ए-मय उठाया नहीं तो क्या करे,

वो तो बैठी थी आँखोंमें पूरा मैखाना सजाके ।।

(लुफ़त-ए-मय = शराब की मज़ा, मैखाना = शराबखाना)

માણસ થઈને હું આ જગની “માણસાઈ” માં અટવાયો છું,

ભુલો તો ન પડ્યો રસ્તામાં પણ મંજીલે પહોંચી અટવાયો છું.

રહ્યો એકલો જંગમાં હું ને સાથે છે બધા આ લડાઈમાં,

નથી ડર અક્ષણી સેનાનો હું તો પોતાના ને પારકામાં અટવાયો છું.

હજારો શબ્દો છે એક ગ્રંથ ભરાય એટલા,

કલમ મળી ગયા પણ એક ટીપું શાહી માટે અટવાયો છું.

તપતો અગ્નિ તો ભારેલો છે ચારેબાજુ તોય ઠંડો છું,

હું તો એક નાનકડા આતશમાં અટવાયો છું,

“સાગર” પીને બેઠો છું હું ઝહેર જેવા જમાનાનો,

બસ એક અમૃતના ટીપાની તરસમાં અટવાયો છું.

માણસ થઈને હું આ જગની “માણસાઈ” માં અટવાયો છું,

ભુલો તો ન પડ્યો રસ્તામાં પણ મંજીલે પહોંચી અટવાયો છું.

૧૪મી લગ્નતિથી ની ભેટ

તારા અવાજ થી લ​ઈને તારી ખામોશી સુધી,

મને પ્રેમ છે તારાથી,

તારી આંખોની ભાષાથી લ​ઈને તારી વાતો સુધી

મને પ્રેમ છે તારાથી,

તારા લાલચોળ ગુસ્સાથી લ​ઈને તારા મંદ મંદ સ્મિત સુધી

મને પ્રેમ છે તારાથી,

તારી ગેરહાજરીથી લ​ઈને તારી પ્રત્યક્ષ સમીપતા સુધી

મને પ્રેમ છે તારાથી,

તારા વરસોની પ્રતિક્ષા લ​ઈને તારી ક્ષણભંગુર હાજરી સુધી

મને પ્રેમ છે તારાથી,

ખબર નથી ક્યાંથી ક્યાં સુધી, બસ મને પ્રેમ છે તારાથી.